24 કલાક શહેરીજનોને પિવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પાણીની નવી લાઈનોનું નેટવર્ક નાંખવામાં આવ્યું છે. પરંતુ તેના ટેસ્ટીંગ દરમિયાન જ નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખૂલ્લી પડી ગયેલી જોવાં મળી છે. શહેરના જૂના સેક્ટરોમાં પાણીની પાઈપો નાંખવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર પણ લગાડી દેવામાં આવ્યાં છે. જ્યારે લાઈનોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પાણીના ભારે દબાણને કારણે નવી લાઈનો ફાટી જવાના તેમજ લિકેજના પ્રશ્નો જોવાં મળ્યાં છે. આ કારણોસર તંત્રની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થયાં છે. લાંબા સમયથી પાણી ડ્રેનેજની લાઈનો નાંખવાની કામગીરી શહેરમાં ચાલી રહી છે. જેથી આંતરિક રસ્તાઓની હાલાત પણ બિસમાર થયેલ છે. વર્ષો અગાઉ નાંખવામાં આવેલ પાણીની લાઈનોમાં ભંગાણ પડવાના પ્રશ્નો કાયમી બનેલાં જોવાં મળ્યાં છે. પરંતુ નવી નાંખવામાં આવેલી પાઈપોમાં પણ ફોર્સથી પાણી આવવાને કારણે લિકેજ કે ભંગાણ થતાં શહેરીજનોને હજુ પણ 24 કલાક પાણી મેળવવા માટે રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી પાઇપ લાઇનમાં ટેસ્ટિંગ કરવા દરમિયાન વધુ પડતાં ફોર્સથી જ પાણી છોડીને ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી લાઇનોમાં કરવામાં આવેલાં જોડાણ નવા હોવાથી અથવા યોગ્ય રીતે તેનું ફીટિંગ કરાયું ન હોય તો લિકેજની સમસ્યા સર્જાઇ શકે છે. તંત્રે ચકાસણી હાથ ધર્યા બાદ જ્યાં લિકેજ જોવાં મળ્યું ત્યાં ફરીથી સમારકામ શરૂ કરાયું છે. તંત્ર દ્વારા માત્ર જૂનાં સેક્ટરોમાં જ પાણીની નવી લાઈનો નાંખવામાં આવી છે. જ્યારે નવા સેક્ટરોમાં નવી લાઈનો નાંખવાનું આયોજન કરેલ નથી. જેથી કરીને 24 કલાક પાણી આપવાની શરૂઆત કરી દીધાં બાદ પણ નજીકના ભવિષ્યમાં નવા સેક્ટર વિસ્તારોમાંથી પાણી લિકેજ અને લાઈનોમાં ભંગાણની સમસ્યા જોવાં મળે તો નવાઈ નહીં.
http://dlvr.it/T7RGc6
http://dlvr.it/T7RGc6
Comments
Post a Comment