ACP ભરત પટેલે જમીન મેટરમાં 03 કરોડ માંગ્યાનો આક્ષેપ:ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે હાઈકોર્ટના નિર્દેશથી તપાસ મહિલા ACP ને સોંપી
વર્ષ 2023 માં 08 આરોપીઓ સામે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશને IPC ની કલમ 120B, 143 ,147 ,148, 149, 323, 452, 294b, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-b), (a), 27 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી બોડકદેવ, અમદાવાદ અને આરોપીઓ પણ અમદાવાદના છે. ફરિયાદ મુજબ વેપારીએ અમેરિકામાં રહેતા મૂળ ગુજરાતી પટેલ પાસેથી નવરંગપુરા ખાતે તેના ભાગમાં આવતી જમીન ખરીદી હતી. જેમાં જુદી જુદી કાનૂની પ્રક્રિયાઓ અને વિવાદ સર્જાતા આરોપીઓએ ફરિયાદીના ડ્રાઇવર અને જમીનના ચોકીદારને ગંદી ગાળો બોલીને માર માર્યો હતો. તેમજ જમીન ખાલી કરી દેવા ફરિયાદીને ધમકી આપી હતી. આ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઈ હતી. જેની તપાસ ACP ભરત પટેલ કરી રહ્યા હતા. આ ACP ભરત પટેલ સામે ફરિયાદીએ એડવોકેટ કિશોર પ્રજાપતિ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે આ કેસની અંદર પાછળથી એટ્રોસિટી એક્ટની કલમો પણ ઉમેરાઈ હતી. ફરિયાદ દાખલ કરે એક વર્ષ થયું હોવા છતાં તપાસ અધિકારીએ કોઈ તપાસ કરી નથી, આરોપીઓને પકડ્યા નથી કે ચાર્જશીટ પણ દાખલ કરી નથી. વળી તપાસ અધિકારી ACP ભરત પટેલે ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા લઈ લીધા છે. તેમજ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપીને 03 કરોડ રૂપિયાની માંગ કરી છે. હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે તમારી પાસે લાંચ માંગી તો તમે ACB માં ગયા હતા કે કેમ ? અરજદારે જણાવ્યું હતું કે તેમને ACP વિરુદ્ધ ACB માં ફરિયાદ આપી હતી. ફરિયાદીના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. જેથી કોર્ટે વ્યંગ કર્યો હતો કે કેસ બંધ થઈ ગયો હશે ! કોર્ટ કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારી ACP ભરત પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેથી કોર્ટે ટકોર કરી હતી કે તપાસ અધિકારીની કોર્ટમાં હાજરી જણાવે છે કે આ કેસમાં તેમને રસ છે. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે આ કેસમાં તેઓ તપાસ અધિકારી હોવાથી હાજર રહ્યા છે. હાઇકોર્ટે તપાસ અધિકારી બદલવા માટે સરકારી વકીલને નિર્દેશ આપ્યા હતા. સાથે જ હાઇકોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી સામે ચાલીને ACB માં ગયો છે એટલે તેની ફરિયાદમાં વજૂદ લાગી રહ્યું છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તપાસ અધિકારીએ અરજદાર અને સાક્ષીઓને ધમકાવીને 03 કરોડ માંગ્યા હતા. તેમજ ACB માં કરેલી ફરિયાદ પરત ખેંચવા ધમકી આપી હતી. સવારે ચાલેલી આ કોર્ટ કાર્યવાહીમાં સરકારી વકીલે સમય માંગીને બપોરે જવાબ રજૂ કર્યો હતો કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે તપાસ અધિકારી બદલીને તપાસ ACP ભરત પટેલની જગ્યાએ મહિલા સેલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને સોંપી છે. અરજદારની સમસ્યાનું નિરાકરણ આવતા અરજદારે અરજી પરત ખેંચી હતી. અરજદારે ACB માં કરેલી અરજી પ્રમાણે આક્ષેપ કર્યો હતો કે ACP ભરત પટેલે તેમને જણાવ્યું હતું કે તકરારવાળી જમીન 50 કરોડની છે જેથી અરજદારે તેને 03 કરોડ રૂપિયા આપવા પડશે.
http://dlvr.it/TDC2LH
http://dlvr.it/TDC2LH
Comments
Post a Comment