ઘરમાં પડેલા થેલામાંથી રોકડ-દાગીનાની ચોરી:ભાવનગરના વિદ્યાનગર વિસ્તારનો બનાવ, પરિવારે પોતાના જ સંબંધીએ ચોરી કર્યાની આશંકા વ્યકત કરી
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં એક યુવાનના મકાનમાંથી કોઈ અજાણી વ્યક્તિએ રૂ.1.15 લાખ તથા સોના ચાંદીના દાગીના ની દંપતિની હાજરીમાં ચોરી કર્યાની ફરિયાદ ખેડૂત યુવાને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવવા અંગે નિલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની અને હાલ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટી સુપાર્શ્વ ફલેટ 403 માં ભાડે રહેતા રામદેવ સુરુભા ચુડાસમા ઉ.વ.42 એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી તેઓ ભાવનગર શહેરમાં રહેવા આવ્યા છે રામદેવના પુત્ર સૂર્યદીપ ને બોલવામાં તકલીફ થતી હોય આથી દંપતી પુત્ર પુત્રી સાથે ભાવનગર પુત્ર સૂર્યદીપની સ્પીચ થેરેપી ટ્રીટમેન્ટ માટે ભાવનગર રહેવા આવ્યા છે. દરમિયાન ગતરોજ દંપતી બંને પુત્રો તથા પુત્રી સાથે વતન જવા તૈયાર થયા હોય અને તેઓએ ઘરે એક થેલામાં રૂપિયા 1.15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના થેલામાં મૂકી જવા માટેની તૈયારીઓ કરી હતી, દરમિયાન રામદેવના સાળા વીરભદ્ર ગોહિલની પત્ની જયશ્રીનો રામદેવના પત્ની પર કોલ આવેલ કે હું મારી પુત્રી માહીની સારવાર માટે ભાવનગર આવી રહી છું અને બપોરે તમારા ઘરે જમવા આવીશ આથી દંપતીએ ગામડે જવાનું માંડી વાળી મહેમાનની રસોઈ સહિતની તૈયારીઓ હાથ ધરી હતી. દરમિયાન બપોરે મહેમાન તરીકે આવેલ જયશ્રી પરત ગયા બાદ દંપતીએ વતન જવા માટે પ્રયાણ કરતા હોય એ દરમિયાન રામદેવે થેલાની તલાસી લેતા થેલામાં રાખેલ રોકડા રૂપિયા 1.15 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી આવ્યા ન હતા. જેની ચોમેર તપાસ હાથ ધરતા આ મુદ્દામાલનો ક્યાંય પત્તો ન લાગતા રામદેવ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સાથોસાથ એવી આશંકા પણ દર્શાવી છે કે મહેમાન તરીકે આવેલ સાળાની પત્ની જયશ્રીએ રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરી હોય આ અંગે નિલમબાગ પોલીસે ગુનો દાખલ કરી શકમંદની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
http://dlvr.it/TBQCh8
http://dlvr.it/TBQCh8
Comments
Post a Comment