અજાડ ટાપુ ઉપર સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન:જિલ્લા પોલીસે ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદે પ્રથમ માનવ વસતિવાળા ટાપુ પર ધ્વજ વંદન, તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશવાસીઓ ખૂબ ઉત્સાહથી રાષ્ટ્ર ભક્તિના ગૌરવ સાથે જોડાય અને ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ. 8થી 13 ઓગષ્ટ સુધી “હર ઘર તિરંગા" ઝુંબેશ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહથી “હર ઘર તિરંગા" કાર્યક્રમમાં ભાગ લઈ, પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતર- રાષ્ટ્રીય દરિયાઈ સરહદ ધરાવતો જિલ્લો છે. 237 કિ.મી. જેટલા લાંબા દરિયાકાંઠા સાથે કુલ 23 જેટલા ટાપુઓ ધરાવે છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગુજરાતના દરીયાઈ સીમાના છેવાડે સ્થિત ટાપુઓ પૈકી અજાડ ટાપુ પર માનવ વસ્તી ધરાવતું અજાડ ગામ આવેલું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેમજ દરિયાઈ માર્ગેથી સંભવિત ભયને ધ્યાને લઈ ટાપુ ઉપર વસતા લોકો રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટીએ “પ્રથમ હરોળના સૈનિકો" હોય અને તેઓની રાષ્ટ્રીય ભાવના વધુ દ્રઢ બને તે હેતુથી શુક્રવારે અજાડ ટાપુના દરિયાકાંઠા ઉપર ટાપુ પર વસતા લોકોને સાથે રાખી ધ્વજવંદન કાર્યક્રમ યોજી, ધ્વજવંદન કરીને સ્વતંત્રતા દિવસને વધાવવા માટે આહવાન કર્યું હતું. આ ઉપરાંત અજાડ ટાપુ પર આવેલા તમામ ઘરો પર તિરંગા લગાવીને નાગરિકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. અહીં ઉપસ્થિતિ તમામ લોકોમાં મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવી, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ અજાડ ટાપુ ઉપર વસવાટ કરતા લોકોનો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનો ઉત્સાહ વધે તેમજ દેશના સાર્વભોમત્વ પ્રત્યેની લાગણી વધુ દ્રઢ થાય તે માટે મોટી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજ સાથે એક “તિરંગા યાત્રા”નું આયોજન કર્યું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં માણસો જોડાયા હતા અને ગગનચુંબી નારાઓ, દેશ ભક્તિના ગીતોથી ટાપુ ઉપરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ચોતરફ રાષ્ટ્ર પ્રેમ જોવા મળ્યો હતો. આ ટાપુ ઉપર વસવાટ કરતા લોકો સાથે પોલીસ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતા ટાપુવાસીઓ પણ ભાવવિભોર બની, ગદગદિત થઈ ગયા હતા અને તેમનામાં રહેલી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
http://dlvr.it/TBlmw3
http://dlvr.it/TBlmw3
Comments
Post a Comment