શહેરના બહુમાળી ભવનના ખોબા જેટલા રૂમમાં કાર્યરત જિલ્લાની 2000થી વધુ સેવા સહકારી મંડળીઓનો સમગ્ર કારભાર ઇન્ચાર્જ જિલ્લા રજીસ્ટ્રાર માથે નાખી દેવામાં આવ્યો હોઈ વહીવટી પ્રક્રિયામાં હાલાકી પડતી હોવાની બૂમ અન્ય કર્મચારીઓમાં ઉઠી છે. નાના ઓરડામાં ગુંગળાઈને કામ કરતાં કર્મચારીઓએ સહેલાઈથી વહીવટી કામગીરી થઈ શકે તે માટે મોટા ક્ષેત્રફળના રૂમની વ્યવસ્થા મળી રહે તે માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બહુમાળી ભવનના ત્રીજા માળે કાર્યરત જિલ્લા રજીસ્ટ્રાર સેવા સહકારી મંડળીની કચેરી થોડા સમય અગાઉ લીમડા ચોકના રંગ મહેલ ઈમારતમાં કાર્યરત હતી. જ્યાં એક આકસ્મિક ઘટના બની ગયા બાદ કચેરીને બહુમાળી ભવનમાં ખસેડવામાં આવી છે. જ્યાં ખૂબ જ ટૂંકા ક્ષેત્રફળના એક ઓરડામાં જિલ્લા રજીસ્ટ્રાર સહિતના 20થી વધુ કર્મચારીઓને અહીં કાર્યરત કરવામાં આવ્યા છે. પરંતુ ખોબા જેટલા ઓરડામાં બેસીને ફરજ બજાવતા કર્મચારીઓને તેમને કરવી પડતી કામગીરીની ફાઈલો સહિતના દસ્તાવેજો, ખુદને બેસવા માટેના ટેબલ ખુરશી ક્યાં મૂકીને કામ કરવું તે એક પ્રશ્ન થઈ પડ્યો છે. એટલું જ નહીં પરંતુ અહીં કામ અર્થે આવતા જિલ્લાભરની સેવા સહકારી મંડળીઓના સભાસદોને બેસવા તો ઠીક પરંતુ ઉભા રહેવાની પણ જગ્યા ન હોવાથી ફરજ પરના અધિકારી- કર્મચારીઓને ક્ષોભમાં મુકાવવું પડતું હોવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આવા સંજોગમાં સરકાર તરફથી જિલ્લા સેવા સહકારી મંડળીની કામગીરી કરતા જિલ્લા રજીસ્ટ્રાર સહિતના કર્મચારીઓ સાનુકૂળતાથી કામગીરી કરી શકે તે માટે મોટું ક્ષેત્રફળ ધરાવતી સુવિધા સભર કચેરી ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જોકે આ તમામ પ્રક્રિયાને એક દરખાસ્તથી પસાર કરાવવાની હોવાથી અહીંથી કરવામાં આવેલી દરખાસ્ત મંજુર થશે કે કેમ તે પણ એક પ્રશ્ન હોવાનું કચેરીના કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. પોરબંદર જિલ્લા રજિસ્ટ્રાર ઇન્ચાર્જમાં, કામ હોય ત્યારે આવે છે જૂનાગઢ જિલ્લા સેવા સહકારી મંડળીના રજીસ્ટ્રાર મુખ્યત્વે પોરબંદર જિલ્લા સેવા સહકારી મંડળીના જવાબદાર અધિકારી છે. જેઓને ત્રણ જિલ્લાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાંથી તેઓ દ્વારકા અને જૂનાગઢનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે. અહીં જ્યારે કામગીરી નું ભારણ વધે અથવા તો કોઈ મહત્વનું કામ હોય ત્યારે જ તેઓ જુનાગઢ આવતા હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
http://dlvr.it/TBQxTy
http://dlvr.it/TBQxTy
Comments
Post a Comment