બોરીવલી-વેસ્ટમાં વર્ષો જૂનું બાભઈ સ્મશાનગૃહ છેલ્લા 8 મહિનાથી રિપેરિંગને બહાને બંધ કરાયું છે તેની વિરુદ્ધ 78 વર્ષીય સામાજિક કાર્યકર મીરા કામત મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડમાં મંગળવારથી બેમુદત ભૂખહડતાળ ઊતરી જતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. મીરા કામતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બોરીવલીમાં રામ મંદિર રોડ પર બાભઈ સ્મશાનગૃહમાં ગત ઓક્ટોબરથી રિપેરિંગના નામે લાકડાની 4 ચિતા મહાપાલિકાએ બંધ કરી છે. હાલમાં કમસેકમ એક ચિતા ચાલુ નહીં કરે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે. આ જગ્યા પર ભૂ-માફિયાઓનો ડોળો છે. અહીં બે ભઠ્ઠી ઈલેક્ટ્રિકની ચાલુ છે, જેનો રસ્તો બાભઈને બદલે પાછળથી વઝિરા વિસ્તારમાંથી ખુલ્લો રખાયો છે. આગળના ભાગનો રસ્તો રિપેરિંગના બહાને બંધ કરી દેવાયો છે, પરંતુ આ મામલે રહેવાસીઓએ સ્થાનિક મહાપાલિકાની કચેરીમાં રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિદ્રામાંથી તંત્ર જાગ્યુ નથી. મેં લેખિતમાં પોલીસ અને વોર્ડ ઓફિસને વાંરવાર જાણ કરી અને મિટિંગો કરી, પરંતુ તે આ સ્મશાનભૂમિ ફરીથી પહેલાની જેમ કયારે શરૂ કરશે તેની કોઈ સમયમર્યાદા આપતું નથી. તેઓ હવે એમ કહે છે કે અમે મ્હાડાને આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમ, નાગરિકો સાથે પ્રશાસકો રમત કરી રહ્યા છે. આથી મારે નાછૂટકે ભૂખહડતાળ પર ઊતરવું પડ્યું છે. હું સિનિયર સિટીઝન હોવા છતાં અહીં કોઇ સુવિધા પણ આપી નથી. અમને અહીં બેસવા દેવામાં પણ ભારે રકઝક થઈ રહી છે, પરંતુ હું જ્યાં સુધી લેખિત બાંયધરી નહીં મળે ત્યાં સુધી અહીંથી હટીશ નહીં, એમ તેમણે જણાવ્યું હતું. વોર્ડ ઓફિસરે શું કહ્યું? મહાપાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડનાં આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, બાભઈ સ્મશાનગૃહ સૌથી જૂનું છે. આથી તેને રિપેરિંગ માટે બંધ કરાયું છે. અમે પહેલાં ટેન્ડર આપ્યું હતું, પરંતુ ફંડના અભાવે તે ટેકનિકલ કારણોસર મુલતવી રાખ્યું છે. હવે અમે 3 જુલાઈના મ્હાડાએ બાભઈ સ્મશાનભૂમિની રિપેરિંગની જવાબદારી લીધી છે અને તે માટે અમે મંજૂરી આપી છે. અમે આ વિગતો મીરા કામતને આપી છે, તેઓ ચોક્કસ સમયમર્યાદા અંગે લેખિત માગી રહ્યાં છે, જે શક્ય નથી, કારણ કે, અહીં હજુ અનેક સુવિધાઓ અને સગવડો શરૂ કરવાની છે. આથી ચોક્કસ સમય શક્ય નથી.
http://dlvr.it/T9zstL
http://dlvr.it/T9zstL
Comments
Post a Comment