શ્રી અંબિકા પ્રાથમિક શાળા નંબર - 7માં શાળા વાર્ષિકોત્સવ, ધોરણ-8ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય કાર્યક્રમ, નિવૃત્તિ સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ, નિવૃત શિક્ષકો કુંદનબેન, ઈન્દિરાબેન તેમજ નિવૃત્ત થનાર શિક્ષક ગીતાબેન રાઠોડ અને ભુતનાથ મિત્ર મંડળના સભ્યોના હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય ભરતભાઈ ભટ્ટે કર્યુ હતું. શાળાના શિક્ષિકા બહેનો નીતાબા રાયજાદા અને વંદનાબેન ત્રિવેદીએ તૈયાર કરાવેલા વિવિધતાસભર સાંસ્કૃતિક કૃતિઓ શાળાના બાળકોએ રજૂ કરી હતી. મહેમાનોના હસ્તે શાળાના દરેક વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને, વર્ષ દરમ્યાન નિયમિત વિદ્યાર્થીઓ, શાળાના બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનનાર તમામ બાળકોને તેમજ શાળા મિત્ર તરીકે શાળાના કામમાં ઉપયોગી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. શાળાના નિવૃત શિક્ષક ગીતાબેન રાઠોડ તરફથી શાળાને હોસ્ટિંગ માટે હોસ્ટિંગ ટેબલ ભેટ આપવામા આવ્યું હતું, તેમજ શાળાના તમામ બાળકોને નાસ્તા માટે સ્ટીલનો ડબો ભેટ આપ્યો હતો. અને શાળાના તમામ બાળકો અને શિક્ષકોને ભોજન કરાવ્યું હતું. શાળાના શિક્ષક નીતાબેન પટેલે શાળા પરિવાર વતી ગીતાબેન રાઠોડને નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ -8ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક જાગૃતિબેન ચોલેરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધો. 8ની વિદ્યાર્થિની ચાવડા પુજાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. ધોરણ -8ના બધા બાળકોને જાગૃતિબેન તરફથી રાઈટીંગ પેડ તેમજ ભરતભાઈ ભટ્ટ તરફથી પાઉચ અને પેન ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકો, ભુતનાથ મિત્ર મંડળના સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિશિરભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષ રાજદિપસિંહ જેઠવા, સમિતિના સભ્ય અને શાળાના પ્રભારી સંજયભાઈ બારૈયા તેમજ શાસનાધિકારી બડમલિયા મુંજાલભાઇએ આ ત્રિવિધ કાર્યક્રમને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જાંબુચા અને ધો. 8ની વિદ્યાર્થિનીઓ બારૈયા પ્રિયા અને ચૌહાણ કૌશરએ ખૂબ સરસ રીતે કર્યું હતું.
http://dlvr.it/T4sS7k
http://dlvr.it/T4sS7k
Comments
Post a Comment