Skip to main content

કરૂણાંતિકા:સુખપરમાં ટ્રકના ટાયરમાં આવી જતા દાદી-પૌત્રના મોત

તાલુકાના સુખપરમાં બુધવારે સવારે 10 વાગ્યા દરમ્યાન અકસ્માતનો કરુણ અકસ્માત સર્જાયો હતો. માનકુવામાં રહેતી પરિણીતા તેના સવા વર્ષના પુત્ર અને સાસુ સાથે એક્ટિવા પર ભુજ આવતા હતા ત્યારે સુખપર પાસે પંચાયતની સામેના રોડ પર સ્પીડબ્રેકર પાસે બ્રેક મારતા સ્લીપ થતા એક્ટિવા પર સવાર ત્રણેય રસ્તા પર પટકાયા હતા. આ જ સમયે બાજુમાંથી જતી ટ્રકના તોતિંગ વ્હિલ દાદી અને પૌત્ર પર ફરી વળતા બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે એક્ટિવા ચાલક પરિણીતાનો ચમત્કારિક બચાવ થયો હતો. હચમચાવી દેતી અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.આ ઘટનાથી પટેલ ચોવીસીમાં શોક ફેલાઈ ગયો છે. માનકુવાના એક્તાબેન દિનકર ગોરસિયા બુધવારે સવારે તેના સવા વર્ષના પુત્ર તન્મય અને સાસુ 55 વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા સાથે ભુજ આવતા હતા ત્યારેે સ્પીડબ્રેકર પર એકતાબેને એક્ટિવાનું બેલેન્સ ગુમાવતા ત્રણેય રસ્તા પર પટકાયા હતા. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના વ્હિલ સવા વર્ષના તન્મય અને 55 વર્ષીય મંજુલાબેન ગોરસીયા પર ફરી વળતા મંજુલાબેનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તન્મયને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.માનકુવા પોલીસે તપાસ હાથ ધરી છે. વરસાદની માટી અને રોડનું અયોગ્ય લેવલીંગ સર્જે છે અકસ્માત
તાજેતરમાં વરસાદ પડ્યા બાદ ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જે ઓસરી ગયા બાદ હાલમાં તમામ માર્ગો પર રેતી જોવા મળે છે અકસ્માત થયો તે સ્પીડ બ્રેકર પાસે પણ વરસાદમાં તણાઈને આવેલ રેતી જોવા મળી હતી.આ હાઈવે માર્ગ પર રોડનું યોગ્ય રીતે લેવલીંગ નથી આડેધડ ખાડા હોવાના કારણે અકસ્માતો થાય છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે,બનાવ બન્યો તે સ્પીડ બ્રેકર પાસે ગાડી ધીમી કરવા બ્રેક લગાવાઈ પણ રેતીના કારણે ગાડી સ્લીપ થતા આ બનાવ બન્યો હતો ત્યારે તંત્રએ ગંભીર બનીને ખાડા પુરવાની અને રસ્તા સફાઈની કામગીરી કરવી જોઈએ જેથી આવા અકસ્માત અટકાવી શકાય. માસૂમ તન્મય એકનું એક સંતાન
સ્થાનિકેથી મળેલી માહિતી મુજબ ખેતી વ્યવસાય ધરાવતા દિનકરભાઈ ગોરસિયાના લગ્ન ચારથી પાંચ વર્ષ પૂર્વે થયા હતા. 13 માસ પૂર્વે પુત્રનો જન્મ થયો હતો જેનો થોડા દિવસ પહેલા ધામધૂમથી જન્મ દિવસ ઉજવાયો હતો. એ જ પુત્રનું બુધવારે દાદી સાથે મોત થતા આઘાતની લાગણી ફેલાઇ હતી. 8-9 વર્ષ અગાઉ દિનકરભાઈના મોટા ભાઈ હર્ષદભાઈનું પણ સુખપર પાસે હોટેલ વૃંદાવન નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.ત્રણ ભાઈમાં સૌથી નાના ભાઈ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે.આ બનાવથી લેવા પટેલ સમાજ સાથે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.


http://dlvr.it/T978HN

Comments