Skip to main content

નીટ કૌભાંડ:ગોધરામાં સીબીઆઇએ એક હજાર દસ્તાવેજ મેળવ્યા, બિહાર-રાજસ્થાનમાં વધુ કેસ

દેશવ્યાપી નીટ કૌભાંડમાં કેન્દ્ર સ્થાને રહેલા ગોધરામાં સીબીઆઇની ટીમ પહોંચી ગઈ છે. સ્થાનિક તપાસ અધિકારીએ એક હજાર કરતા વધુ દસ્તાવેજો સહિત પુરાવાઓ સીબીઆઇને સોંપતા સીબીઆઇની ટીમે દસ્તાવેજોનો અભ્યાસ કરીને તપાસ ચાલુ કરી છે. સમગ્ર દેશમાં નીટની પરીક્ષામાં થતી ગેરરીતિનો વિરોધ પ્રદર્શન થતા કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇમાં નીટ બાબતની ફરીયાદ નોધાવી હતી. દેશમાં ગોધરા, બિહાર સહિત રાજ્યોમાં નીટને લગતી તપાસ સીબીઆઇને સોંપતા ગુજરાત રાજયના ગૃહ મંત્રાલયે પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદની તપાસ સીબીઆઇને સોપવા નોટીફિકેશન જાહેર કર્યાના ચોવીસ કલાકમાં ગોધરા ખાતે સીબીઆઇની ટીમ પહોંચીને તપાસ અધિકારી પાસેથી તપાસનો ચાર્જ લીધો હતો. સવારે 11 વાગ્યે સીબીઆઇની ટીમ ગોધરા આવીને ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી. ચાર કરતા વધુ સભ્યોની ટીમ ને સર્કિટ હાઉસમાં તપાસ અધિકારીએ 1000 કરતા વધુ દસ્તાવેજો ભરેલા થેલા તથા પુરાવા સીબીઆઇને આપ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી પણ સર્કિટ હાઉસ ખાતે પહોચીને સીબીઆઇની ટીમને મળીને અત્યાર સુધીની તપાસ અંગેની વિગતો આપી હતી.
સીબીઆઇને તપાસ વિગતો સોપવા મોડી રાત્ર સુધી કામગીરી ચાલી | ગોધરામાં રવિવારે મોડી રાત્રે તપાસના દસ્તાવેજોને ટ્રાન્સલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. મોડી રાત્રિ સુધી તપાસ અધીકારી તથા તેમની ટીમ દ્વારા તમામ તપાસના કાગળોની ઝેરોક્ષ કરી હતી. બીજી બાજુ સીબીઆઇની ટીમ તપાસ કરવા સોમવારે આવવાની હોવાથી તપાસ અધીકારીએ તમામ તપાસના દસ્તાવેજો, દિલ્લીથી લાવેલા સીસીટીવી કુટેજના પુરાવા, આરોપીઓ પાસેથી મળેલ ચોરી કરાવનાર પરીક્ષાર્થીઓનું લીસ્ટ સહીતની તમામ વિગતો રાત સુધીમાં તૈયાર કરીને સોમવારે સીબીઆઇને આપી હતી.
સીબીઆઇને એક પેપરનો અભ્યાસ કરવામાં 15 મિનિટ લાગી | ગોધરા નીટ તપાસના એક હજાર જેટલા તપાસ પેપર તથા 7 ફાઈલો સીબીઆઇને આપતા દસ્તાવેજોની ઝીણવટ ભરી તપાસ ચાલુ કરી હતી. સીબીઆઈની ટીમે તપાસ અધિકારીને સાથે રાખીને તપાસ પેપરનો અભ્યાસ કર્યો હતો. સીબીઆઈને એક પેપરની સમજ કરતાં 10 થી 15 મિનિટ લાગી હતી. જ્યારે એક ફાઈલનો અભ્યાસ કરતા સીબીઆઈને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.
નીટ : દરેક મોટા નિર્ણયો માટે જવાબદાર એવા ચૅરમેન મુદ્દે કેન્દ્ર સરકારનું મૌન અનિરુદ્ધ શર્મા | નવી દિલ્હી
નીટ-ટુજી પેપર લીક કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના મહાનિદેશકને હોદ્દા પરથી ઉતારી દેવાયા છે. સીબીઆઇ તપાસ શરૂ થઈ ચૂકી છે. છતાં પણ એક મૂળ સવાલ યથાવત્ છે અને એ છે કે એનટીએમાં દરેક મોટા નિર્ણયો માટે જવાબદાર ચૅરમેન પ્રદીપ કુમાર જોશી મુદ્દે શિક્ષણ મંત્રાલય શા માટે મૌન છે? એનટીએ મેન્યુઅલ પ્રમાણે એજન્સીની અર્જન્ટ બાબતોના નિર્ણયોની મંજૂરીની જવાબદારી એનટીએની ગવર્નિંગ બોડીના ચૅરમેનની છે.
નીટમાં સમય વેડફાવાના બદલામાં ગ્રેસ માર્ક આપવાની જોગવાઈ નહોતી છતાં એનટીએએ મનસ્વી રીતે ગ્રેસ માર્ક આપ્યા હતા. પરીક્ષાપ્રણાલી સાથે સંકળાયેલા જાણકારોના કહેવા પ્રમાણે પેપર લીક, પરીક્ષામાં વિલંબ, કેટલાક વિદ્યાર્થીઓને પસંદગીનાં કેન્દ્રો મળવા જેવી ફરિયાદો અર્જન્ટની શ્રેણીમાં આવે છે. ગ્રેસ માર્ક્સ કે એનટીએની શાખ પર ઊઠતા સવાલોના કિસ્સામાં નિર્ણયો લેવાની જવાબદારી અધ્યક્ષની હોય છે.
સીબીઆઇને નીટ ગેરરીતિ સાથે સંકળાયેલા 5 કેસ મળ્યા | ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં નોંધાયેલા નીટ ગેરરીતિ સાથે સંકળાયેલા નવા 5 કેસ સીબીઆઇને મળ્યા છે. તેમાં ગુજરાત, બિહારના 1-1 અને રાજસ્થાનના 3 કેસ છે જ્યારે મહારાષ્ટ્રના લાતુરનો કેસ પણ ટૂંક સમયમાં સીબીઆઇને મળી જસે. આ ઉપરાંત, એક એફઆઇઆર સીબીઆઇએ પણ નોંધાવી છે. હવે બાકીના તમામ કેસને આ એફઆઇઆર સાથે જોડી દેવાય તેવી શક્યતા છે. દરમિયાન તપાસ એજન્સીએ પુરાવા મેળવવાનું શરૂ કર્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત પોલીસે કરેલી તપાસમાં અંદાજે 1 હજાર નામ અને ફોન નંબર જોડ્યા છે.
બિહાર : બળી ગયેલા પેપર સાથે મૂળ પ્રશ્નપત્રના 74 સવાલ મૅચ થયા
હજારીબાગના આરોપીઓના રૂમમાંથી મળેલું નીટનું બળી ગયેલું પેપર એનટીએ પાસેથી મેળવેલા અસલ પ્રશ્નપત્ર સાથે મેળવણી કરાઈ હતી. બંને પ્રશ્નપત્રોના 74 સવાલ મૅચ થયા છે. બળેલા પેપર બિહાર પોલીસે એક દિવસ પહેલાં શિક્ષણ મંત્રાલયને આપ્યા હતા. તેના સિરિયલ નંબર પણ એકસરખા નીકળ્યા. મહારાષ્ટ્ર : એટીએસએ ટીચરની ધરપકડ કરી, 4 ફરાર નાંદેડ એટીએસે સોમવારે લાતુરથી જિલ્લા પંચાયતની શાળાના શિક્ષક જલીલ ખાન ઉમર પઠાણની ધરપકડ કરી હતી જ્યારે અન્ય 4 સામે એફઆઇઆર નોંધાવી છે. તેમાં એક આરોપી દિલ્હીનો છે. તમામ સામે નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૈસાના બદલામાં પાસ કરાવનારા રેકેટ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. આ તે કેવી NTA.. 2 મહિનામાં 4 પરીક્ષા, 2 રદ જ્યારે 1 મોકૂફ; તેમાંથી 2માં લીકના નક્કર પુરાવા હોવા છતાં લેવાયેલા નિર્ણયોમાં વિરોધાભાસ { નીટ (યુજી) 2024
શું થયું : 5 મેએ પરીક્ષા યોજાઈ. પેપર લીકના પુરાવા મળ્યા, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ, છતાં સુનાવણી પહેલાં પરિણામ જાહેર.
પગલાં : પરીક્ષા રદ ન કરાઈ. { યુજીસી-નેટ
શું થયું : 18 જૂને પરીક્ષા. બીજા દિવસે સરકારને પેપર લીકની શંકા ગઈ, ડાર્ક નેટ પર પહોંચ્યું.
પગલાં : પરીક્ષા રદ કરાઈ. { નેટ સીએસઆઇઆર
શું થયું : પરીક્ષા 25થી 27 જૂન વચ્ચે થવાની હતી. દેશના અંદાજે 2 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા.
પગલાં : 21 જૂને સ્થગિત કરાઈ.
કારણ : લૉજિસ્ટિક કારણ ગણાવાયાં. { નેશનલ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ
શું થયું : પરીક્ષા 12 જૂને યોજાઈ. 29 હજાર પરીક્ષાર્થી બેઠા. ઓનલાઇન મોડ પર પરીક્ષા હતી.
પગલાં : સાંજે જ રદ કરાઈ.
કારણ : તકનિકી ખામી.


http://dlvr.it/T8jvMn

Comments