Skip to main content

સુરત ગ્રામ્યમાં 15 દિવસમાં 5 લોકોની હત્યા:16 લાખમાં બે મિત્રોનું મર્ડર, ભાણેજે મામા-મામીને મોતને ઘાટ ઉતાર્યાં તો પીપોદરામાં કાકાએ ભત્રીજાને રહેંસી નાખ્યો

સુરત ગ્રામ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ બેખોફ રીતે ક્રાઇમ કરી રહ્યા છે. હત્યા જેવી ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત ગ્રામ્યમાં છેલ્લા 15 દિવસમાં કુલ 05 લોકોની હત્યા થઈ છે. જેમાં બે ડબલ મર્ડરનો પણ સમાવેશ થાય છે. એકાએક વધી ગયેલી હત્યાની ઘટનાને લઇને પોલીસની પકડ ગુનેગારો પરથી ઓછી થઈ ગઈ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ ગુનેગારો પર લગામ રાખે એ હાલ જરૂરી બન્યું છે. પ્રથમ બનાવ : 8 જૂન 16 લાખની સોપારીમાં બે યુવકની હત્યા
ગત 8 તારીખના રોજ ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે કબ્રસ્તાનના કબરમાં હત્યા કરાયેલી હાલતમાં દાટી દીધેલા બે મૃતદેહ મળ્યા હતા. બન્ને યુવકો સુરત શહેરના માથાભારે હોવાનું જાણવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જૂની અદાવતમાં 16 લાખની સોપારી આપી હત્યા કરાવનાર સુરત જિલ્લા AIMIMના નેતા ખુર્શીદ સૈયદ સહિત અન્ય બે ઇસમોને ઝડપી લીધા હતા. હજુ સોપારી લેનાર કુખ્યાત અફઝલ અને અન્ય ઇસમ ફરાર છે. મૃતક બન્ને સુરત શહેરના માથાભારે ઈસમો હતા
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી પોલીસને બે મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેના ઘરના સભ્યનો મોબાઈલ નંબર હતો. જેથી પોલીસે તેઓનો સંપર્ક કરતા પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બન્નેની ઓળખ કરી હતી. જેમાં એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને અઝરુદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બન્ને ઈસમો સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ, મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા. પોલીસે પરિવારજનો તેમજ મૃતકોના સગાંસંબંધીઓની પૂછપરછ કરતા આ બન્ને અફઝલ નામના ઇસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અફઝલની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અફઝલની કોલ ડિટેલ્સ ચેક કરતા ઘટસ્ફોટ થયો
પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના સૌથી વધુ વાતચીત જે નબર પર થઈ હતી એ મોબાઈલ નંબર તપાસ કરતા ઓવૈસીની AIMIM પાર્ટીના નેતા ખુર્શીદ સૈયદનો હતો. પોલીસે તુરંત ખુર્શીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતાં ખુર્શીદ સૈયદ પોપટની જેમ બોલવા લાગ્યો અને બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદને મારવા તેના જમાઈ અસ્લમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી. એક વર્ષ અગાઉ પ્લાન ઘડવામાં આવ્યો હતો
16 લાખની સોપારી લેનાર અફઝલ શેખે બિલાલને મારવા માટે અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ સાથે દોસ્તી કરી હતી અને અઝરુદ્દીન મારફતે બિલાલના સંપર્કમાં આવી મિત્રતા કરી તેને ફરવા માટે ઉમરપાડાના ઉચવાણ ગામે લાવ્યો હતો. જ્યાં ખંડેર હાલતમાં રહેલી ઓરડીમાં લઇ જઇ તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ઘાતકી હત્યા કરી દીધી હતી. બાદમાં થોડા કલાક બાદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ ક્યાંક બોલી દેશે તેવા ડરથી તેનું પણ ગળું કાપી હત્યા કરી બન્નેને ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાં નમાજ઼ પઢવાની જગ્યાએ ખાડો ખોદી દાટી દીધા હતા. હત્યા પહેલાં 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા તેમજ હત્યા કર્યા બાદ વીડિયો કોલ પર અફઝલે ખુર્શીદને મૃતદેહ બતાવતા 3.70 લાખ રૂપિયા આપવા માટે ખુર્શીદ પોતે ઉમરપાડા ગયો હતો. તે પણ મોબાઈલ ટાવરના લોકેશનમાં પોલીસને મળી આવ્યું હતું. હત્યા કરનાર બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર
એક વર્ષ અગાઉ મૃતક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને ઓવૈસીની AIMIMના સુરતના નેતા અને સોપારી આપનાર ખુર્શીદ સૈયદ વચ્ચે બબાલ થઈ હતી અને મૃતક બિલાલે ખુર્શીદ પર હુમલો કર્યો હતો. જેની અદાવત રાખી બિલાલનું કાસળ કાઢી નાખવાનું ખુર્શીદે નક્કી કર્યું હતું અને સોપારી આપી અફઝલને કામ સોંપ્યું હતું. સોપારી લઇને ખૂન કરનાર અફઝલ શેખ અને પ્રજ્ઞેશ દિલીપ ગામીત હજુ પોલીસ પકડથી દૂર છે. અફઝલ શેખ વિરુદ્ધ હત્યા સહિતના 06 ગુનાઓ અને પ્રજ્ઞેશ દિલીપ ગામીત વિરુદ્ધ પ્રોહિબિશન, જુગાર સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ખૂન કરવા ઉપયોગમાં લીધેલી અલ્ટો કાર, ચપ્પુ, આરોપીના કબજાની ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો બનાવ: 19 જૂન પલસાણા તાલુકામાં પતિ-પત્નીની હત્યા
ગત 19 તારીખે સવારે શ્રમજીવી પતિ-પત્નીની માથાના ભાગે બોથડ પદાર્થ મારી લોહી લુહાણ કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ડબલ મર્ડર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી. હત્યાની ઘટનાને અંજામ આપનાર મૃતક દંપતીના ભાણિયા અને તેની પત્નીને પોલીસે ઝડપી લીધા હતા. મૃતક મામા મજૂરીના રૂપિયા ઓછા આપતો હતો અને ભાણેજની પત્ની પર ખરાબ નજર રાખતો હતો. જેને લઇને આરોપી ભાણેજ અને તેની પત્નીએ મામા-મામીને બોથડ પદાર્થ અને લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે બંનેને ઝડપી લીધા
તે દરમિયાન માહિતી મળી હતી કે, મરણજનાર દંપતી સાથે તેઓનો ભાણેજ વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને તેની પત્ની પણ સાથે રહેતા હતા. પોલીસે તપાસ કરતા તેઓના ફોન બંધ આવતા હતા અને બન્ને ગુમ હતા. જેથી પોલીસે તેઓ પર શંકા રાખી બન્ને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટીમ વર્કથી ઓપરેશન હાથ ધરતાં બારડોલી તાલુકાના પથરાડિયા ગામની હદમાંથી શકમંદ વિજય ઉર્ફે લાલુ બાલુભાઈ રાઠોડ (ઉં.વ.28) અને તેની પત્ની શિલ્પા ઉર્ફે કોલી વિજય રાઠોડ (ઉં.વ.30, બંને હાલ રહે ખાડી ફળિયું, બલેશ્વર, સોહેલભાઈના ખેતરમાં તા.પલસાણા, જિ.સુરત અને મૂળ રહે મોરથાણા, તા. કામરેજ, જિ.સુરત)ને શોધી તેમની ધરપકડ કરી હતી. બન્નેએ હત્યાની ઘટનાનો ગુનો પોલીસ સમક્ષ કબૂલ કર્યો
બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મૃતક પતિ-પત્ની તેના સગા મામા-મામી થાય છે. તેમણે ખેતરમાં સાથે કામ કર્યું હોય તેના રૂપિયા ઓછા આપ્યા હતા. આ ઉપરાંત મૃતક ઉમેશ રાઠોડ આરોપીની પત્ની શીલાબેન ઉર્ફે કોળીને ખરાબ નજરથી જોતો હોય તે બાબતે બંને વચ્ચે ઝઘડા થયા હતા. આથી રાત્રિના સમયે ઉમેશ અને તેની પત્ની રમીલા ઊંઘી ગયા બાદ વિજય અને શીલાએ બંનેને લોખંડના પાઇપ તથા ઈંટના બ્લોકથી માથા પર વાર કરી બંનેને ઊંઘમાં જ મોતને ઘાત ઉતારી દીધા હતા. પોલીસે લોખંડનો પાઇપ અને ઈંટનો બ્લોક જે જગ્યાએ છુપાવ્યું હતું તે જગ્યાએથી પરત મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ત્રીજો બનાવ : 23 જૂન​​​​​ કાકાએ ભત્રીજાનું કાસળ કાઢી નાખ્યુ
ગતરોજ એટલે કે 23 જૂનના રોજ માંગરોળના પીપોદરા GIDCમાં કાકાએ ભત્રીજાની કરપીણ હત્યા કરી હતી. ભત્રીજાએ કાકી સાથે બે વાર જબરદસ્તી કરી શારીરિક સબંધ બાંધ્યો હોવાની જાણ કાકા શિવ પૂજન નિષાદને થતાં તેણે લાકડાના ફટકા ઝીંકી ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને અંજામ આપી સ્થળ પર જ હાજર રહેલા કાકાને કોસંબા પોલીસે ઝડપી લીધો હતો. લાકડીના ઉપરા છાપરી સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિશ્વ કર્માં નગરમાં જય માતાજી ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરતા શિવ પૂજન નિષાદ નામના ઇસમએ પોતાના ભત્રીજા શિલ્લુ નિષાદની જ હત્યા કરી કર્યાનો બનાવ બન્યો હતો. વાત જાણે એમ છે કે શિવ પૂજન નિષાદ જય ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરે છે. પોતાની પત્ની સાથે રહેતા શિવની મેરેજ એનિવર્સરી હોવાથી તે કોઈ કામથી ભત્રીજા શીલ્લુ સાથે માંગરોળના લિંદિયાત ગયો હતો. ત્યાં કાકાને છોડી ભત્રીજો શિલ્લુ નિષાદ ઘરે પરત આવ્યો હતો. એકલતાનો લાભ લઈ કાકી સાથે છેડછાડ કરી
ભત્રીજા શીલ્લુ નિષાદે કાકાની ગેરહાજરીમાં એકલતાનો લાભ લઈ તેની કાકી સાથે છેડછાડ કરી હતી. જો કે પતિ શિવ પૂજન નિષાદ ઘરે આવતા પત્નીએ સમગ્ર બાબતની જાણ પતિને કરી હતી. જેથી આવેશમાં આવીને કાકાએ લાકડીના ઉપરા છાપરી સપાટા મારી પોતાના ભત્રીજા શીલ્લુ લલ્લુ નિષાદને લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લોહીના ખાબોચિયાં જોઈ પોલીસ પણ ચોંકી
વહેલી સવારે સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને થતાં કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે જ દોડી ગયો હતો. લોહીના ખાબોચિયાં જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટનાને અંજામ આપી સ્થળ પર જ રહેલા શિવ પૂજન નિષાદને પોલીસે ઝડપી લીધો હતો અને મૃતકના સગા સંબંધીઓને બોલાવી તેઓને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પત્ની સાથે થયેલી છેડછાડમાં કાકાએ જ ભત્રીજાનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાને ઝડપી લીધો
કોસંબા પોલીસ મથકનાં પીઆઈ એમ.કે સ્વામીએ જણાવ્યું હતું કે, કોસંબા પોલીસની હદમાં આવેલી પીપોદરા GIDCના વિશ્વકર્મા નગરમાં આ હત્યાની ઘટના બનવા પામી છે. ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. ઘટના સ્થળેથી શિવ પૂજન નિષાદને ઝડપી લેવાયો હતો. તેઓ વિરૂદ્ધ આઇપીસી 302 વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


http://dlvr.it/T8jfK0

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n